24 જુલાઈ, 2018

આ તે કેવી અંધશ્રધ્ધા




       આ ફોટામાં  દેખાતી  રોડ પર મુકવામાં આવેલ પાણીની સંખ્યાબંઘ બોટલો અને પાણીના પાઉચ ના ઢગલા જોઇને તમને એવું લાગતું હશે કે કદાચ અહીથી કોઇ પદયાત્રા કે રેલીમાં જતા લોકો માટે પાણીની વ્યવસ્થા કરી હશે.પણ ના તમે અને હું જે વિચારતાં હોઇએ એ તદ્દન ખોટુંં છે.

     હકિકતમાં આ જગ્યા ચાણસ્માથી બેચરાજી જવાના રોડ પર વડાવલીથી આગળ મણીપુર પાસેની છે . અહીં રોડ પર ઘણાં બધાં ઝાડ આવેલાં છે જેમાનાં એક ઝાડની નીચે તમને સંખ્યાબંઘ  પાણીની બોટલો અને પાણીના પાઉચ જોવા મળશે.

      વાત જાણે એમ છે કે અહીં આ જગ્યા પર આશરે ત્રણેક વર્ષ પહેલાં ગામ લોકોના કહેવા મુજબ એક મોટો અક્સ્માત થયો હતો. જેમાં ઘણાં બધા લોકોને નાની-મોટી ઈજા થવાં પામી હતી, પણ સાથે-સાથે આ અકસ્માત
બે - ત્રણ બાળકોનાં મોત થયાં હતાંં. જેઓ મરતાં પહેલાં પાણી- પાણી કરતાં હતાં. સ્થાનીક લોકોના કહેવા મુજબ આ બાળકો અવગતીયા જીવ થઇ ફરે છે . માટે આ અવગતિયા જીવની મુક્તિ માટે લોકો અહીં લોકો પાણીની બોટલો કે પાણીના પાઉચ મૂકે છે. જેમ જેમ આ વાત લોકોમાં ફેલાતી ગઇ તેમ તેમ લોકો વધુને વધુ પાણીની બોટલો કે પાણીના પાઉચ મૂકી જાય છે. ધીમે ધીમે રોડની સાઇડ પાણીની બોટલો અને પાણીના પાઉચથી ભરાઇ ગયું છે.
 

     આ જોઇને એવું થાય છે કે આ તે કેવી અંધશ્રધ્ધા ..... એક બાજુ ઘણાં એવાં વિસ્તાર છે કે ત્યાં લોકો પાણીના એક એક ટીંપા માટે વલખાં મારે છે અને આ બાજુ પાણીનો આટલો બધો બગાડ !
દિવસે દિવસે વરસાદ ઓછો થતો જાય છે અને એક બાજુ પાણીનો આટલો બધો બગાડ !
       કેમ કેમ અને કેમ.........

20 જુલાઈ, 2018

" વંદે માતરમ્ "



     ' વંદે માતરમ્ 'ના રચયિતા બંગાળી લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોટા દેશ ભક્ત હતાંંએ વાત આપ સૌ જાણો છો.તેમનાંમાં દેશદાઝ ઠાંસી-ઠાંસીને ભરી હતી . તેઓએ દેશભક્તિનાં રંગે રંગાયેલી એક નવલકથા " આનંદ મઠ " લખી જે વિશે આપણો દેશ અને આખી દુનિયા જાણે છે.

      પણ મિત્રો શું તમને ખબર છે કે તેમને લખેલી ' આનંદ મઠ ' નવલકથામાંં આવેલ આપણા રાષ્ટ્ર્ગીત  'વંદે માતરમ્ ' નો જન્મ કેવી રીતે થયો ? બહુ ઓછા લોકોને આ વાતની ખબર હશે . આજે આપણે વંદે માતરમ્ નો જન્મ કેવી રીતે થયો અને તેનાં શબ્દોનો શું અર્થ થાય છે.

      એક દિવસ જ્યારે બંકિમચંદ્ર તેમની નવલકથા આનંદ મઠ લખી રહ્યાંં હતાં ત્યારે તેમની દિકરીએ તમને એક પ્રશ્ન કર્યો ," પાપા, આપણો દેશ કેવો છે ? આના જવાબ રૂપે બંકિમબાબુએ  તેમની પોતાની દિકરીને ભારત દેશ કેવો છે એ બતાવવા માટે દિકરીને ભારત દર્શન કરવવાનું નક્કિ કર્યું અને તેઓએ રેલ પ્રવાસ ધ્વારા ભારત દર્શનની શરુઆત કરી.  આ રેલ પ્રવાસ દરમ્યાન તેમણે  બારીમાંથી  ધનધાન્યથી લચી પડેલા ખેતરો , વૃક્ષો , પહાડો ,નદીઓ, સમુદ્રો ,જંગલો, રણ, જળધોધ, બાગ-બગીચાઓ, ગામડાં અને શહેરો, આ ઉપરાંત અદભુત કુદરતી દૃશ્યો બંકિમ બાબુએ જોયા. આવાં મનોહર દૃશ્યો બાબુનાં મનમાં ચાલતાં થયાં રાત્રે ઉંઘમાં પણ તેમને આ બધુંં દેખાતુ હતું અને આ ઉપરથી તેમનાં હ્રદયમાંથી એક અદભુત ભાવનાનો સ્ત્રોત વહેવા લાગ્યો જેમાથી વાણી સરવા લાગી અને છેલ્લે આપણાંં  રાષ્ટ્ર્ગીત  'વંદે માતરમ્ ' નો જન્મ કેવી રીતે થયો. ત્યારબાદ તો દેશનાં લોકોનાં મુખે આ ગીત ગૂંજતુ થયું .વંદે માતરમ્ નું સુત્ર લોકો જોરશોરથી બોલતાં થયાં કંઇ કેટલાયે પોલિસની લાઠીઓ, ગોળીઓ ખાધી તો કેટલાંક તો જેલમાં પણ જઇને આવ્યાં. તે આજ વન્દે માતરમ . અને અંતે બંધારણ સભા બેઠક  ( ૨૪\૧\૧૯૫૦)માં જાહેર થયું કે ' જન ગણ મન ' એ ભારતનું રાષ્ટ્રગાન છે. તેને જેટલો દરજ્જો આપવામાં આવે એટલો જ દરજ્જો વંદે માતરમ્ ગીતને આપવો. વંદે માતરમ્ ગીત આનંદ મઠ નવલકથાંં ઘણું લાંંબું છે પણ તેમાંથી અમુક ભાગ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારાયું છે.

      આપણે જોયુંં કે આપણા રાષ્ટ્ર્ગીત  'વંદે માતરમ્ ' નો જન્મ કેવી રીતે થયો હવે તેમાં આવેલાં શબ્દોનો શું અર્થ થાય છે તે પર નજર નાખીએ...........


      સુજલામ - સુ- સારાંં અમૃત જેવા - પોષક જલ પીવડાવનારી .
      સુફલામ ‌‌- સુ - સારાં ફળો -અનાજ - ધાન્ય આપનારી .
      શસ્ય - અનાજની કૂંપળ શ્યામલ - ખેતરો વાળી , તને શત શત પ્રણામ .
      શુભ્ર - સફેદ -સ્વચ્છ સોનલ - રૂપલ - અલપ - ઝલપ .
      જ્યોત્સ્ના - ચાંદની - શીતળ પ્રકાશમય .
      પુલકિત  - હર્ષિત ,રોમાંચિત,સદાય પ્રસન્નતા યુક્ત .
      યામિનીમ્ - રાત્રિ ચાંદ - તારાયુક્ત રાત્રિથી શોભતી .
      ફુલ્લ - પુષ્પ પરાગવાળાં ફુલો , વાંઝણી વનસ્પતિ નહીંં .
      કુસુમિત - પરાગયુક્ત કે  જેમાંથી  ફળો થવાનાં હોય .
      દ્રુમ - વૃક્ષ - દલ ઝૂંંડ -સમુહ શોભનીય વૃક્ષોનાં ઝુંડથી  શોભતી,વિવિધ વૃક્ષોથી શોભતાં જંગલોથી યુક્ત .
      સુમધુર ભાષિણીમ - મધુર ભાષણ કરનારી .
      સુખદામ - સદાય સુખ આપનારી .
      વરદાન - સદાય સુખનાં વરદાન દેનારી મારી માતૃભૂમિ તને કોટી કોટી વંદન .
                            હું મારા સમગ્ર અસ્તિત્વથી તને વંદું છુંં........
 

      ભારત માતા કી જય 

   
         

' મેં ધારક કો 10\20\50\100\200\500\2000 રૂપયે અદા કરને કા વચન દેતા હૂં ' આવું શા માટે કહેવામાં આવે છે ?


     આજના સમાચારપત્રમાં વાંચવા મળ્યું કે ભારતીય રિઝર્વ બેંક ધ્વારા રૂપિયા ૧૦૦ ( સો )ની નવી ચલણી નોટ પર પાટણની રાણકી વાવનું ચિત્ર મુકવામાં આવશે. પણ મિત્રો આપણા ભારત દેશની ચલણી નોટો પર એવી ઘણી વિગતો છે કે જેનાથી કદાચ આપણે અજાણ છીએ. કોઇ વ્યક્તિને પુછીએ કે કે ચલણી નોટો પર કેટલી ભાષા જે તે નોટનું મુલ્ય લખેલું હોય છે ? કદાચ બહું ઓછા વ્યક્તિ પાસેથી આનો જવાબ મળે છે. આવી જ એક વાત છે કે નોટ પર આવું લખેલું જોવા મળે છે   ' મેં ધારક કો 10\20\50\100\200\500\2000 રૂપયે અદા કરને કા વચન દેતા હૂં ' ....... આ વાક્ય કેમ લખવામાં આવે છે. જેની ખબર ખુબ જ ઓછા લોકોને હોય છે.

      કેમ આવી પ્રતિજ્ઞા લખવામાં આવે છે આ વાત જાણતાં પહેલાં ભારતીય રિઝર્વ બેંક વિશે થોડી માહિતી જાણીએ .ભારતીય કેંદ્રિય  બેંક એ જ ભારતીય રિઝર્વ બેંક  જેને આપણે RBI  કહીએ છીએ. મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે આ ભારતીય રિઝર્વ બેંક ૧ (એક) રૂપિયા સિવાયની તમામ મૂલ્યવર્ગની નોટોનું પ્રિંન્ટિંગ કરે છે. હવે એવો વિચાર આવશે કે એક રૂપિયા સિવાયની ? તો એક રૂપિયાની નોટનું શું ? તો આ એક રુપિયાની નોટ પર ભારતનાં નાણાં સચિવનાં હસ્તાક્ષર હોય છે જ્યારે બાકીની તમામ નોટો પર ભારતીય રિઝર્વ બેંકના ગર્વનરનાં હસ્તાક્ષર હોય છે.

      ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના  1 એપ્રિલ,1935 નાં રોજ થઇ . આ પહેલાં ચલણી નોટોનાં મુદ્રણની જવાબદારી સરકાર પર હતી. ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ મુંબઇ ખાતે આવેલી છે.ભારતીય રિઝર્વ બેંકને અધિનિયમન કલમ 22 મુજબ નોટ જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો.

    ભારતમાં નોટોની છાપણીનું કામ ન્યુનતમ આરક્ષણ પ્રણાલીને આધારે કરવામાં આવ્યું છે. આ પ્રણાલી ભારતમાં 1957થી લાગુ પાડવામાં આવી જેમાં ભારતીય રિઝર્વ બેંક ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયાની મૂલ્ય સંપતિ રાખવી જરૂરી છે જેમાં 115 કરોડનું સોનું અને બાકી 85 કરોડ વિદેશી સંપતિ રાખવી પડે છે. આટલી સંપતિ રાખ્યા બાદ ભારતીય રિઝર્વ બેંક દેશની જરુરિયાત મુજબ નોટો છાપી શકે છે.

      આ વાત તો થઇ ભારતીય રિઝર્વ બેંકની અને તેનાં કામની પણ ચલણી નોટો પર  ' મેં ધારક કો 10\20\50\100\200\500\2000 રૂપયે અદા કરને કા વચન દેતા હૂં ' આવું શા માટે કહેવામાં આવે છે ? એ જોઇએ ..
 
       દરેક ચલણી નોટ પર ' મેં ધારક કો 10\20\50\100\200\500\2000 રૂપયે અદા કરને કા વચન દેતા હૂં ' આવું લખેલું હોય છે . આ વાક્ય એટલા માટે પ્રિંન્ટ કરવામાં આવે છે કે તેટલા રૂપિયાનું સોનું  તે પોતાની પાસે રિઝર્વ રાખે છે. ધારો કે જો તમારી પાસે 100 રૂપિયાની નોટ છે તો રિઝર્વ બેંક તમારા 100 રૂપીયાનું સોનુ રિઝર્વ માં  મુકે છે . આ વિશ્વાસ અપાવવા માટે નોટ પર આવી પ્રતિજ્ઞા લખવામાં આવે છે.
 
   RBI 200 કરોડની આ સંપતિ એટલા માટે રાખે છે કે  બેંકના ગર્વનર  ' મેં ધારક કો 10 \20 \50 \100 \ 200\500\2000 રૂપયે અદા કરને કા વચન દેતા હૂં '  આ પ્રતિજ્ઞા નિભાવી શકે. જો કોઇ વ્યક્તિ આવી નોટ લેવાની ના પાડે છે તો તેનો અર્થ એ થાય છે કે તે RBI ના ગર્વનર એટલે કે સરકારી પ્રતિનિધિની આજ્ઞાનું પાલન નથી કરી રહ્યો જેના માટે તેનાં પર કાયદેસરની કાર્યવાહી સરકાર કરી પણ શકે છે.  મિત્રો આપ સમજી ગયા હશો કે આપણા ચલણી નોટો પર આવી પ્રતિજ્ઞા કેમ લખવામાં આવે છે .

18 જુલાઈ, 2018

સંબંધ એટલે શું ?


                               સંબંધ એટલે સમ+બંધ… સરખા બંધનથી બંધાયેલા બે જણા…

                  સંબંધ એટલે શું ?  આ વાક્ય ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. ઘણી જગ્યાએ આપણે એવું સાંભળતા હોય છે કે આને આની જોડે સંબંધ તોડી નાખ્યો. આને સંબંધ સાચવતાં સારો આવડે છે. પણ આજની આ છીછરી દુનિયામાં સંબંધો પણ છીછરા થતાંં જાય છે. અમુક વખતે માત્ર નિભાવવા માટે જ સંબંધો રખાતાં હોય  છે. એવુંં પણ જોવા મળે છે.  પણ આ સંબંધ એટલે શું ? સંબંધમાં આવે શું ? સંબંધ ઘણા પ્રકારનાં હોય છે. એક જ વ્યક્તિ જુદી-જુદી જગ્યાએ જુદા-જુદા સંબંંધ નિભાવતો હોય છે. એવું આપણે દરેક જગ્યાએ જોઇએ  છીએ.

       આમ તો સંબંધ વિશે શું લખવું ? એ ખબર નથી પડતી પણ  આ એક એવી લાગણી છે કે દરેક પોતપોતાની રીતે અભિવ્યક્તિ કરે છે, સમજે છે અને જાણે છે. સંબંધની કોઇ ચોક્કસ વ્યાખ્યા કે સીમા નથી . એતો ખરેખર અનુભૂતિને આત્મા સાથે જોડનારી એક અનોખી કડી છે.

                                  સંબંધ એટલે શું ? પોતાની જાત પર કરેલો વિશ્વાસ.

     સાચવવો પડે તે નહીં પણ સચવાય તે સંબધ .સંંબંધએ ચોમાસાના પહેલાં વરસાદ પછીની માટીની સુગંધ જેવો છે. સુગંધ માત્ર  અનુભવાય છે પણ પકડી શકાતી નથી તેવી જ રીતે સંબંધ પણ અનુભવી જ શકાય છે તેને પકડી શકાતો નથી.
   
       આ લાગણી અને અનુભવ એને અને સંબંધને શું લેવાદેવા ? પણ મિત્રો જ્યારે જ્યારે નવો સંંબંધ  બંધાય છે ને ત્યારે માત્રને માત્ર વ્યક્તિ જ બદલાય છે લાગણી અને અનુભવ નહિં .સંબંધ એ એક કુદરતી છે. એ કોઇની સાથે જબરદસ્તીથી ન કરી શકાય. અમુક વાર જે સંબંધોને કોઇ નામ કે ઓળખ નથી હોતી તેવાં સંબંધો દરેક સીમાઓ પાર કરીને પણ વિસ્તરે છે.

    સરળતાથી સંબંધ શરૂ થાય અને એ જ સરળતાથી સંબંધ આગળ વધે એ સંબંધમાં જ પ્રેમની સુવાસ ભળે અને સરળતાથી સંબંધ પૂરો થાય કે કોઇ કારણસર અલગ થવું પડે આમાં માત્ર સરળતા સિવાય કશાનું મહત્વ જ ના હોવું જોઇએ. સંબંધની બાબતમાં તમે કોઇને ભ્રમમાં લાંબો સમય રાખી ના શકો. તમને કોણ ચાહે છે કે કોણ નથી ચાહતું એની ખબર આપોઆપ પડી જાય છે.

     ક્યારેક સંજોગો, સમય, વિચારો અને વ્યક્તિના જીવનમાં જેમ પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર થાય. એકસમયે સાથે હોય તેવી વ્યક્તિ સામસામે છેડે મૂકાઇ જાય. પરંતુ તેવા સમયે ધીરજ રાખીએ તો સામસામે ગોઠવાઇ ગયેલી વ્યક્તિઓ એક સર્કલ પૂરું કરીને ફરી સંબંધની સફર શરૂ કરી શકે. એટલે સંબંધોમાં ક્યારેક એવું લાગે કે સાવ અલગ થઇ જવાયું છે કે બધું છીનવાઇ ગયું છે ત્યારે જ તે સંબંધ એકબીજાનો સાચો અંશ બને છે. દૂર રહેવાથી સંબંધનું સ્વરૂપ જરૂર બદલાય છે પણ સાથે સાથે બંનેને ગાઢ સંબંધની અનુભૂતિ પણ થાય છે.

     સંબંધમાં મેળવવા કરતાં પામવાનું મહત્વ વધારે છે. મેળવીને નહીં પામીને જ સંબંધ નિરંતર રહે અને લાંબો સમય ટકી રહે . માંગ્યા વિના મેળવવું એટલે પામવું. આકાશને મેળવી ના શકાય પણ આકાશમય બનીને તેને પામી શકાય.

    માનવ માનવ વચ્ચેના સંબંધો શ્રેષ્ઠ કેવી રીતે બની શકે ?… માનવીને માનવીય સ્પર્શ ગમે છે. એવા સંબંધોમાં એક પ્રકારની હૂંફ હોય છે. જેમ કે આપણે કોઇ દર્દીને દવાખાનામાં જોવા જઇએ ત્યારે એનું દર્દ આપણે નથી લઇ શકતા પણ એક હૂંફ આપીએ છીએ. માનવ માનવ વચ્ચેના સંબંધોમાં જો સ્વાર્થ હશે તો એ સંબંધ ક્યારેય શ્રેષ્ઠ નહીં બની શકે.

          સંબંધો ક્યારેય સ્વાર્થની સીડી ના બનવા જોઇએ…એ ખાસ ધ્યાન રાખવું જોઇએ.

     સંબંધ નિભાવો તો આખી જિંદગી નિભાવી રાખો. કેમ કે જો સંબંધ તૂટશે તો તમારી પાસે કંઇ જ બાકી રહેશે નહિ. સંંબંધ અરિસા જેવો છે આખો હોય ત્યાંં સુધી જોવો ગમે અને તુટી જાય ત્યારે એ જ અરિસો કાચ બનીને વાગે.

      હકસલએ જણાવેલું કે" સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી, પરંતુ જે  કંઇ બને છે તે સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો અનુભવ છે"

         શ્રેષ્ઠ સંબંધ કોને કહેવાય?… જેને હાસ્યથી આવકારાય, જ્યાં કૃત્રિમતા ના હોય, સ્વાર્થનો તાંતણો પણ ના હોય અને જ્યાં હકથી માણસ જઇ શકે એ સંબંધ શ્રેષ્ઠ કહેવાય.
   
   અગાઉ પણ કીધુ એમ સંબંધની પરિભાષા દરેક વ્યક્તિની અલગ અલગ હોય....આ મારી સમજ અને મારી પરીભાષા છે.બાકી સાચા સંંબંધ વિશે લખવા બેસીએ તો પાનાં ના પાનાં ભરાય....

      અંતે સંબંંધ માટે કહેવાયું છે કે......

   સંબંધ એટલે શું
જયાં શબ્દો ગોઠવ્યા વગર વાત કરી શકાય
આસું છુપાવ્યા વગર રડી શકાય સંકોચ રાખ્યા વગર મદદ 
માંગી શકાય, એ જ સાચો સંબંધ 
       
સંબંધ એટલે શું ? saurabhkumarpatel.blogspot.com
   


17 જુલાઈ, 2018

" બારે ય મેઘ ખાંગા "

   
       અત્યારે આપણાં સમગ્ર ગુજરાત રાજ્યમાં અને દેશમાં ચોમાસાની ઋતુ પુરબહારમાં ખીલી ગઇ છે. ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તો વરસાદની મહેર અત્યારે કહેર બની ગઇ છે , તો બીજીબાજુ ગુજરાતનાં અમુક ભાગમાં મધ્યમથી આંશિક વરસાદ પડ્યો છે. મૂળ આખા ગુજરાતમાં વરસાદની ઠંંડક આખા વાતાવરણમાં ફેલાઇ ગઇ છે. 

       આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે, " બારે ય મેઘ ખાંગા "...... આ કહેવત શું છે ? કેમ આ કહેવત કહેવામાં આવે છે . આ કહેવતનો અર્થ શુંં છે ? દાયકાઓથી આ કહેવત ઘેર ઘેર ચોમાસામાં બોલાય છે . પણ આનો અર્થ શું થાય છે એ બહુ ઓછા લોકોને જ ખબર છે .

        આ કહેવતનો વિસ્તૃત અર્થ આપણને ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. જેમાં બાર ( ૧૨ ) પ્રકારનાંં વરસાદનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં સામાન્યથી અતિ ભારે વરસાદનાં બાર ( ૧૨ ) પ્રકાર જણાવ્યાં છે. આપણે અહીં આ વરસાદનાં બાર ( ૧૨ ) પ્રકાર કયા છે તે જોઇએ.....
૧ )  ફરફર
૨) છાંટા
૩) ફોરા
૪) કરા
૫ ) પછેડિવા
૬ ) નેવાધાર
૭) મોલ મેહ
૮) અનરાધાર
૯) મૂશળધાર
૧૦) ઢેફાભાંગ
૧૧) પાણ મેહ
૧૨) હેલી

    આ બાર ( ૧૨ ) પ્રકારનાં મેઘ આપણને જોવા મળે છે. જેના કારણે  " બારે ય મેઘ ખાંગા "...... કહેવત પ્રચલિત થઇ છે