1 એપ્રિલ, 2018

સમયનું મહત્વ

એક છોકરો હતો. તેને ટી.વી. જોવાની ખરાબ લત લાગી હતી. તે આખો દિવસ ઘરમાં બેસીને ટી.વી. જ જોયા કરે. શાળાએ મોડો પહોંચે, ક્યાંય પણ બહાર જવાનું હોય તો પણ તે હમેશાં મોડોજ હોય. તે ટી.વી. જોવામાં એટલો મશગુલ થઈ જાય કે તેને ખાવાપીવાનું પણ ભાન ન રહે અને ટી.વી. જોયા કરે.
એક દિવસની વાત છે. એક ટપાલી તેના ઘરે આવીને પાર્સલ આપી ગયો. પાર્સલ પર કોઈનું નામ ન હતું. તેને ઘણું આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યો આ પાર્સલ કોણે મોકલાવ્યું હશે! તેણે પાર્સલ ખોલ્યું તેની અંદરથી એક ચિઠ્ઠી અને ચશ્માં નીકળ્યા. ચિઠ્ઠીમાં લખ્યું હતું, “આ ચશ્માં થકી તમે સમયને જોઈ શકશો.” તેને કંઈ સમજ પડી નહીં. તેને કૂતુહલ થયું. તેણે ચશ્માં પહેર્યા. તેણે ચશ્માં પહેરીને તેના ભાઈની સામે જોયું. એ જોઇને તે આશ્ચર્ય પામ્યો. તેણે જોયું કે તેના ભાઈના માથા ઉપર પ્રચંડ ફૂલોનો ઢગલો હતો અને એ ફૂલો એક પછી એક જમીન ઉપર પડી રહ્યા હતા. આ માત્ર તેના ભાઈના માથા પર જ નહીં પરંતુ જ્યાં-જ્યાં તેની નજર ફરતી ત્યાં-ત્યાં એજ રીતે ફૂલો પડતા હતા. દરેક વ્યક્તિની વર્તણુક પ્રમાણે ફૂલો વધતા હતા અથવા ફૂલો ઘટતા હતા.
બીજે દિવસે સવારે જ્યારે તે નાસ્તો કરતો હતો ત્યારે અચાનક તેને તે ચશ્માં યાદ આવ્યા. જેવા તેણે ચશ્માં પહેર્યા અને તેણે જે દ્રષ્ય જોયું, એ જોઇને તે એકદમ ભયભીત થઈ ગયો. તેણે જોયું કે તેના પોતાના ફૂલોના ઢગલામાંથી ફૂલોનો સતત પ્રવાહ ટી.વી. ઉપર પડતો હતો અને માત્ર એટલું જ નહીં ટી.વી. એક અતિ વિશાળ રાક્ષસના મુખ જેવું લાગતું હતું. અને એક ભૂખ્યા તરસ્યા રાક્ષસની જેમ ક્રુરતાથી ફૂલોને ખાતું હતું અને જાણે એ ટી.વી. એક જંગલી રાક્ષસ હોય એમ લાગતુ હતું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ટી.વી. ખરેખર શું છે? ત્યારે તેણે નિર્ણય કર્યો કે ટી.વી. તેનો બધો સમય ખાય જાય છે અને આજ પછી એ કદી પણ ટી.વી. નહીં જોવે અને તેનો કીંમતી સમય નહીં વેડફે.
બોધ : સમયને વેડફી નાખવા જેવું મહા પાપ બીજું કોઈ નથી.
મિત્રો, કુદરત આપણને અનેક રીતે, અનેક વખતે સુખી થવાની, આગળ વધવાની તક આપે છે. પણ આળસુ વ્યક્તિ ક્યારેય સફળ થતી નથી. સફળતા મેળવવા માટે કદમથી કદમ મેળવીને ચાલવું પડે છે.
સમય બરબાદ કરનાર વ્યક્તિ એ ભૂલી જાય છે કે જિંદગી સમયની બનેલી છે. જે સમયને બરબાદ કરે છે તે ખરેખર સમયને નહીં, પણ પોતાની જિંદગીને બરબાદ કરે છે.
સમય બહુ કીમતી છે. તેનો સદુપયોગ કરવો જોઈએ. જેમ કમાનમાંથી નીકળેલું તીર પાછું આવતું નથી તેમ વહી ગયેલો સમય પણ કદી પાછો આવતો નથી.
“ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ.”        
                                            કહેવાય છે કે "જો તમે સમયને સાચવશો તો સમય તમને સાચવશે"