1 મે, 2018

કચ્છની આગવી ઓળખ એટલે "ભુંગા "

કચ્છની આગવી ઓળખ એટલે "ભૂંગા "


           " ભૂંગા " શબ્દ સાંંભળતા જ કચ્છ નજર સામે આવી જાય. જી હા, કચ્છ અને ગુજરાતના ઇગ્લુ તરીકે ઓળખાતા આ ભૂંગા માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતમાંં જ નહીં પણ પૂરા વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે.

               ભૂંગા એ શું છે ? કેવી રીતે બનાવવામાંં આવે છે ? તે કેવાં હોય છે ?  ............

    ‘ભૂંગા’ એટલે માટી અને વાંસનો ઉપયોગથી બનાવેલું મકાન.‘ભૂંગા’ એટલે ગાર માટીના બનેલા  ઝુંપડા.‘ભૂંગા’ બનાવવા માટે સિમેન્ટ, કોંક્રીટનો નહીં, પણ કુદરતી રીતે મળી આવતી સામગ્રીનો ઉપયોગ થાય છે, પણ આને દેશી ઝૂંપડાની હરોળમાં ન મુકી શકાય. ‘ભૂંગા’ની બનાવટમાં આગવું ઈજનેરી કૌશલ્ય દેખાય આવે છે. કેમ કે ઉનાળામાં ‘ભૂંગા’ નેચરલ એરકન્ડીશનરનો અહેસાસ કરાવે છે, 46 ડીગ્રી તાપમાનમાં ગરમી લાગવાને બદલે ‘ભૂંગા’માં ઠંડક અનુભવાય છે, જ્યારે શિયાળામાં કડકડતી ઠંડીમાં ‘ભૂંગા’ની અંદર હુંફાળું વાતાવરણ રહે છે‘ભૂંગા’ની આ અનોખી ખાસિયતના કારણે ભલભલા એન્જીનીયરો પણ ચકરાવે ચડે છે. ટુંકમાં .આપણી ભાષામાં કહીએ તો ‘ભૂંગા’ એટલે લીંપણવાળું ઘર. ‘ભૂંગા’ની છત વાંસ, માટી અને ઘાસનો ઉપયોગ કરી બનાવાય છે, જ્યારે અંદરની દીવાલો ગારમાટી અને વાંસની બનેલી હોય છે. સામાન્ય રીતે ‘ભૂંગા’માં ચાર બેડ સમાય શકે છે, જ્યારે રસોડું અને બાથરૂમનો પણ સમાવેશ થાય છે.  

      આમ તો , કચ્છ જિલ્લો રણપ્રદેશનો વિસ્તાર છે, અહીંનુ જીવન વિષમ છે. વરસાદ સાવ ઓછો, ઉનાળામાં ભયંકર તડકો અને શિયાળામાં સખત ઠંડી. આ પ્રકારની વિષણ આબોહવા સામે ‘ભૂંગા’ રક્ષણ આપે છે. 

   પહેલાના સમયમાં જોઇએતો ‘ભૂંગા’ માત્ર ગાર માટી વડે જ બનાવવામાં આવતા હતા, પણ હાલના સમયમાં ‘ભૂંગા’ના અંદર અને બહારના ભાગે ગાર સુકાય જાય એટલે સુશોભન, રંગોળી અને ચિત્રો દ્વારા અવનવી ડીઝાઈન સાથે એક અલગ જ ઓપ આપવામાં આવે છે. જેથી ‘ભૂંગા’ ઝુંપડા કરતા સાવ અલગ તરી આવે છે. સામાન્યરીતે એક ભુંગો બનાવવામાં એકાદ લાખનો ખર્ચ થાય છે. જ્યારે છથી સાત વ્યક્તિની ટીમ મળીને આશરે વીસ દિવસમાં ભુંગો તૈયાર કરી શકે છે. આમ જોઇએતો ‘ભૂંગા’ પાકા મકાન કરતા સસ્તા પડે છે, પણ તેને ડેકોરેટ કરવાનો ખર્ચ વધી જાય છે.પાકા મકાનની જેમ ‘ભૂંગા’ને પણ વર્ષે રિનોવેટ કરવામાં આવે છે, જેમાં સ્ત્રીઓ દર દિવાળી પહેલા કે શુભ પ્રસંગે ‘ભૂંગા’ની અંદર અને બહારની દિવાલો પર જૂની ગાર માટીને ઉખેડીને નવેસરથી ગારનું લીંપણ કરે છે. ભરતગૂંથણની કલામાં માહેર અહીંની સ્ત્રીઓ ભરતગૂંથણના વિવિધ નમૂના તૈયાર કરીને આખો ભૂંગો સજાવે છે. આભલા અને કાચના નાનામોટા ટુકડાઓથી ચાકડા, તોરણ જેવી કેટલીય બેનમૂન વસ્તુઓ બનાવી ‘ભૂંગા’ને નવું રૂપ આપે છે.

        બીજી આ ભૂંગાની મહત્વની અને ખાસ વાત એ છે કે ૨૦૧૧માં આવેલાં ભૂકંપમાં કચ્છનાં મોટાંંભાગનાં બિલ્ડિંગો તુટી ગઇ હતી પણ એકપણ ભૂંગાને કે ભૂંગામાં રહેનારને ઇજા થઇ નહોતી.આમ, કચ્છના રણના ભારે પવનો, વાવાઝોડા, સખત તાપ અને ભયંકર ઠંડીના વાતાવરણમાં પણ વર્ષો સુધી ટકી રહેનારા ‘ભૂંગા’ કચ્છી લોક ઇજનેર કૌશલ્યનો અદભૂત નમૂનો ગણવામાં આવે છે.  

      અને હા બીજી એક વાત, આ ભૂંગા નો ઉપયોગ માત્ર ઘર તરીકે નહીં પણ હોટલ તરીકે પણ થાય છે. તેનુંં ઉત્તમ ઉદાહરણ છે ધોળાવીરા કે જે હડપ્પન સંસ્કૃતિ માટે જાણીતી છે ત્યાં 11 ‘ભૂંગા’વાળી અધતન હોટલ છે. તેમાં માત્ર જમવા માટેનો ડાયનીંગ હોલ જ સિમેન્ટનો છે તો ભૂજ પાસેના રૂદ્રમાતાના મંદિર પાસે પણ આવી ‘ભૂંગા’માં હોટેલ બનાવાઇ છે.  
 
       ટૂંકમાં, કચ્છમાં જ્યાં-જ્યાં નજર નાખો ત્યાં-ત્યાંં ભૂંગા જોવા મળે છે, અને તેનું હોડકા ગામ એટલે આખું ભૂંગાનું ગામ. આ ગામમાં તમને એક પણ મકાન સિમેન્ટનુ જોવા નહીં મળે, આ ગામમાં માત્ર ‘ભૂંગા’નો અદભુત નજારો જોવા મળશે.

    કચ્છમાં ઉજવાતાં રણોત્સવમાં કે અન્ય ઉત્સવોમાં આવતા પ્રવાસીઓ આ ભૂંગામાં જ રહે છે. આજે હવે આ ભૂંગા માત્ર કચ્છ પુરતાં રહ્યાં નથી તે હાલમાં વાપી, વલસાડ, ઉપલેટા જેવા વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે.....
    
        માટે જ અમિતાભ બચ્ચને કહ્યું છે, " કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા "

આ છે કચ્છની આગવી ઓળખ, આગવી સંસ્કૃતિ...........