7 મે, 2018

બાળપણ

                                          
 જગજિતસિંધની એક બહુ જ જાણીતી રચના છે :

યે દોલત ભી લે લો, યે શોહરત ભી લે લો,
ભલે છિનલો મુઝસે મેરી જવાની,
મગર મુઝકો લોટા દો બચપન કા સાવન,
વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની.....

           મિત્રો, આજથી શરૂ થતું ઊનાળાનું વેકેશન. હુંં હમણાં સવારે ૯ વાગ્યાની આસપાસ મારાં ઘરની (ફ્લેટની)  નીચે જોયુંં ,ત્યાં બગીચામાં એક બાજું ચિલ્ડ્રન પ્લે એરિયા છે,ત્યાંં સારા એવા પ્રમાણમાં રમત-ગમતનાં સાધનો છે.ત્યાં મને બહુ ઓછા પ્રમાણમાં બાળકો રમતાં જોવા મળ્યાં અને તરત તેની બીજી બાજુ એક-બે બાંકડા પર મેંં ઘણાં બધા બાળકોને મોબાઇલ પર ગેમ રમતાં જોયા અને ત્યાંં એકદમ થોડીવાર માટે મને મારું બાળપણ યાદ આવી ગયું ,અને એક નાનું સ્મિત મારા મોઢા પર આવી ગયું. ત્યાં મને યાદ આવ્યું કે બાળપણ એટલે શું ? 

       મારા મતે બાળપણ એટલે શું ? 

બાળપણ એટલે નિજાનંદ મસ્ત બની મહાલવાનો સમયગાળો....
બાળપણ એટલે નીડર, સાહસિક અને ધૈર્યવાન બનવાના ગુણો કેળવવાનો સમયગાળો....
બાળપણ એટલે ભૂલ કરવાનો અને તે ભૂલ સ્વીકારી સુધારવાનો અબાધિત અધિકાર આપતો સમયગાળો...
બાળપણ એટલે મિત્રો સાથે છૂટા હાથની મારામારી કરી, જા તારી સાથે     હવે હું નહિ બોલું કહી બીજા જ દિવસે યાર તુ ક્યાં હતો કહી ગઈ ગુજરી    ભૂલી જવાની ભાવના શીખવતો સમયગાળો....
બાળપણ એટલે અવનવા જોડકણાં, ગણિત, વિજ્ઞાન, ભાષાઓ અને વિધ વિધ નવા વિષયો શીખવવાનો સમયગાળો......
બાળપણ એટલે શબ્દો ખૂટી પડે, વાક્યો નવા બનાવવા પડે અને તો પણ હજું ઘણું કહેવાનું બાકી છે એવો ભાવ ચહેરા ઉપર ઉપસાવે તે સમયગાળો......
   
    મિત્રો જો તમે પણ માનતા હોવ કે બાળપણ આવું જ હોય, એ ઝાડ ઉપરથી કાચા ફળો તોડી ખાવાના,  ભરબપોરે ગરમીની પરવા કર્યા વિના મિત્રો સાથે તોફાન કરવાના, ચૂપકેથી લોકોના ડોરબેલ વગાડી ભાગી જવાનું, રાતના ઘરેથી મમ્મી ત્રણ-ચાર બૂમો પાડે પછી જ ઘરે જવાનું, ભણવાની વાતો પર થોડું મોં બગાડવાનું અને કચવાતા મને ભણવાનું, શાળામાં શિક્ષક સમજાવે ત્યારે બારી બહાર જોયા કરવાનું અને પછીથી યાર મારે લખવાનું રહી ગયું કહી અન્ય વિદ્યાર્થીઓ પાસેથી નોટબુકો ઉઘરાવવાનું, એકબીજાન ડબ્બામાં શું નાસ્તો છે તે જોઈ પોતાનો નાસ્તો વહેંચવાનું, સ્કૂલ છૂટવાનો બેલ વાગે એટલે જાણે કોઈ જેલમાંથી છૂટ્યા હોય અને એકદમ નિરાંતનો શ્વાસ લેતાં હોય તેમ દોડવાનું, ભણવાની ચોપડીની અંદર વાર્તાની ચોપડી રાખી ભણવાનું નાટક કરવાનું, જો કોઈ ફરિયાદ કરતી ચિઠ્ઠી આવે તો મમ્મી-પપ્પા બોલશે એ બીકે જાતે જ સાઇન કરી દેવાનું અને હજારો આવા વર્ણવ્યા વિનાના બનાવો, યાદગીરીને મમળાવવાનું યાદ આવે તો સમજો તમારું બાળપણ ખૂબ સારું ગયું છે.
   આજે આ બાળપણની યાદ આવી જતાં ઉપર આવેલી જગજિતસિંધની રચનાની પંંકિત યાદ આવી ગઇ...

મગર મુઝકો લોટા દો બચપન કા સાવન,
વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની.....
    ફરી એકવાર બાળક બનવું છે અને બાકી રહી ગયેલું બાળપણ મનભરીને જીવી લેવું છે. બસ આ જ એક ઇચ્છા સાથે કહું છું તમારા બાળકોને કોઇ રોકટોક વગર એમને મળેલું આ અમુલ્ય  બાળપણ મનભરીને તેમનાં દોસ્તો‌- મિત્રો સાથે જીવવાં દો....