8 મે, 2018

પક્ષી મંદિર

  કવિ શ્રી ઉમાશંકર જોશીએ પોતાના વિશ્વશાંતિ કાવ્યસંગ્રહમાં લખ્યું છે કે....

   વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી , 
પશુ છે , પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ ...

     આ ધરતી પર અનાદિકાળથી પશુ ,પક્ષીઓ સાથે મનુષ્યોનો અતુટ નાતો જોવા મળ્યો છે.અરે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ તો દેવી-દેવતાઓનાં વાહન તરીકે આ પશુ ,પક્ષીઓ આલેખ્યાં છે.

    આપણો ભારત દેશ એ સંતો-મહંતો અને મંદિરોનો દેશ કહેવાય છે.અહીં ઠેર-ઠેર દેવી-દેવતાઓના મંદિરો જોવા મળે છે. પણ શું તમે ક્યાંંય સાંભળ્યુંં છે કે પક્ષીઓનું પણ મંદિર હોય ? બહું ઓછા લોકોને આ વાતની ખબર છે કે આપણા ગુજરાતમાં એક પક્ષી મંદિર આવેલું છે કે જે માત્ર ગુજરાતનું નહીં, ભારતનું નહીં પણ પુરા વિશ્વનું એકમાત્ર પક્ષી મંદિર છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

     આ વાત છે સાબરકાંંઠા જિલ્લાના હિંમતનગરથી માત્ર ૧૫ કિ.મિ.ના અંતરે આવેલ રોડા ગામની છે. આ ગામનાં વડવાઓએ પક્ષીઓનો માણસો સાથેનો અતુટ નાતો જોઇને આ મંદિર બનાવ્યુંં છે એવું માનવામાં આવે છે. આ મંદિરમાં કોઇ મૂર્તિ નથી પણ આ મંદિરની દિવાલે-દિવાલે પક્ષીઓના ચિત્રો જોવા મળે છે. અહીં રોડા ગામે સાતમી સદીમાંં સાત મંદિરોનો સમુહ હતો.જેમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની જેમ આ પક્ષીઓની પુજા થતી હતી .અહી હાલ પણ આજુબાજુનાંં ગામનાં લોકો ખુબ જ શ્રધ્ધાથી પુજા કરવાં આવે છે. 

    આ મંદિરની દીવાલોની કોતરણી અદભુત છે જે જોઇને એક સમય માટે આપણે પણ અચરજ પામી જઇએ    બેનમુન કારીગરીનો આ નમુનો છે .

     ખરેખર બહુ દુખની વાત કહેવાય કે આખા વિશ્વનુંં એકમાત્ર પક્ષી મંદિર હોવા છતાંં જો કોઇને આ મંદિરે જવું હોય તો નાકે દમ આવી જાય છે કેમ કે અહિં કોઇપણ જાતનું બોર્ડ લગાવેલ નથી કે કોઇ રોડ કે રસ્તાનો કોઇ ઉલ્લેખ  કરેલ નથી.આ મંદિર વિષે  કોઇપણ જાતની જાહેરાત કરવામાં નથી આવતી.ઘણી રજુઆતોને અંતે સરકારે રક્ષિત સ્મારક જાહેર કરી પુરતત્વખાતાનું બોર્ડ લગાવી સંતોષ માની લીધો છે. 

      ખરેખર આ મંદિરની મુલાકાત એકવાર અચુક લેવી જોઇએ.......


 પક્ષી મંદિર @saurabhkumarpatel.blogspot.com

7 મે, 2018

બાળપણ

                                          
 જગજિતસિંધની એક બહુ જ જાણીતી રચના છે :

યે દોલત ભી લે લો, યે શોહરત ભી લે લો,
ભલે છિનલો મુઝસે મેરી જવાની,
મગર મુઝકો લોટા દો બચપન કા સાવન,
વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની.....

           મિત્રો, આજથી શરૂ થતું ઊનાળાનું વેકેશન. હુંં હમણાં સવારે ૯ વાગ્યાની આસપાસ મારાં ઘરની (ફ્લેટની)  નીચે જોયુંં ,ત્યાં બગીચામાં એક બાજું ચિલ્ડ્રન પ્લે એરિયા છે,ત્યાંં સારા એવા પ્રમાણમાં રમત-ગમતનાં સાધનો છે.ત્યાં મને બહુ ઓછા પ્રમાણમાં બાળકો રમતાં જોવા મળ્યાં અને તરત તેની બીજી બાજુ એક-બે બાંકડા પર મેંં ઘણાં બધા બાળકોને મોબાઇલ પર ગેમ રમતાં જોયા અને ત્યાંં એકદમ થોડીવાર માટે મને મારું બાળપણ યાદ આવી ગયું ,અને એક નાનું સ્મિત મારા મોઢા પર આવી ગયું. ત્યાં મને યાદ આવ્યું કે બાળપણ એટલે શું ? 

       મારા મતે બાળપણ એટલે શું ? 

બાળપણ એટલે નિજાનંદ મસ્ત બની મહાલવાનો સમયગાળો....
બાળપણ એટલે નીડર, સાહસિક અને ધૈર્યવાન બનવાના ગુણો કેળવવાનો સમયગાળો....
બાળપણ એટલે ભૂલ કરવાનો અને તે ભૂલ સ્વીકારી સુધારવાનો અબાધિત અધિકાર આપતો સમયગાળો...
બાળપણ એટલે મિત્રો સાથે છૂટા હાથની મારામારી કરી, જા તારી સાથે     હવે હું નહિ બોલું કહી બીજા જ દિવસે યાર તુ ક્યાં હતો કહી ગઈ ગુજરી    ભૂલી જવાની ભાવના શીખવતો સમયગાળો....
બાળપણ એટલે અવનવા જોડકણાં, ગણિત, વિજ્ઞાન, ભાષાઓ અને વિધ વિધ નવા વિષયો શીખવવાનો સમયગાળો......
બાળપણ એટલે શબ્દો ખૂટી પડે, વાક્યો નવા બનાવવા પડે અને તો પણ હજું ઘણું કહેવાનું બાકી છે એવો ભાવ ચહેરા ઉપર ઉપસાવે તે સમયગાળો......
   
    મિત્રો જો તમે પણ માનતા હોવ કે બાળપણ આવું જ હોય, એ ઝાડ ઉપરથી કાચા ફળો તોડી ખાવાના,  ભરબપોરે ગરમીની પરવા કર્યા વિના મિત્રો સાથે તોફાન કરવાના, ચૂપકેથી લોકોના ડોરબેલ વગાડી ભાગી જવાનું, રાતના ઘરેથી મમ્મી ત્રણ-ચાર બૂમો પાડે પછી જ ઘરે જવાનું, ભણવાની વાતો પર થોડું મોં બગાડવાનું અને કચવાતા મને ભણવાનું, શાળામાં શિક્ષક સમજાવે ત્યારે બારી બહાર જોયા કરવાનું અને પછીથી યાર મારે લખવાનું રહી ગયું કહી અન્ય વિદ્યાર્થીઓ પાસેથી નોટબુકો ઉઘરાવવાનું, એકબીજાન ડબ્બામાં શું નાસ્તો છે તે જોઈ પોતાનો નાસ્તો વહેંચવાનું, સ્કૂલ છૂટવાનો બેલ વાગે એટલે જાણે કોઈ જેલમાંથી છૂટ્યા હોય અને એકદમ નિરાંતનો શ્વાસ લેતાં હોય તેમ દોડવાનું, ભણવાની ચોપડીની અંદર વાર્તાની ચોપડી રાખી ભણવાનું નાટક કરવાનું, જો કોઈ ફરિયાદ કરતી ચિઠ્ઠી આવે તો મમ્મી-પપ્પા બોલશે એ બીકે જાતે જ સાઇન કરી દેવાનું અને હજારો આવા વર્ણવ્યા વિનાના બનાવો, યાદગીરીને મમળાવવાનું યાદ આવે તો સમજો તમારું બાળપણ ખૂબ સારું ગયું છે.
   આજે આ બાળપણની યાદ આવી જતાં ઉપર આવેલી જગજિતસિંધની રચનાની પંંકિત યાદ આવી ગઇ...

મગર મુઝકો લોટા દો બચપન કા સાવન,
વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની.....
    ફરી એકવાર બાળક બનવું છે અને બાકી રહી ગયેલું બાળપણ મનભરીને જીવી લેવું છે. બસ આ જ એક ઇચ્છા સાથે કહું છું તમારા બાળકોને કોઇ રોકટોક વગર એમને મળેલું આ અમુલ્ય  બાળપણ મનભરીને તેમનાં દોસ્તો‌- મિત્રો સાથે જીવવાં દો....


5 મે, 2018

ગુજરાતનું ધનીક ગામ



     ગામડુ શબ્દ સાંંભડતાં જ નજર સમક્ષ એક વાર ધૂળની ડમરીઓ ઉડતી દેખાઇ જ જાય.ગામડુ એટલે સામાન્ય જીવન જીવતાં લોકો.કે જેમની રહેણીકરણી શહેર કરતાં જુદી હોય. ભારતમાં મોટા ભાગનાં લોકો ગામમાં રહે છે, જેઓ સામાન્ય રીતે પોતાનું જીવન જીવતાં હોય છે.પહેલાં એવું માનવામાં આવતું હતું કે ગામડાંના6 લોકો ગરીબ હોય અને તેમની પાસે કાચા ઘર હોય , પરંતુ હવે ભારતના ગામાઓની તસ્વીર જલ્દી બદલાઈ રહી છે. તેનું ઉદાહરણ બન્યું છે આપણા ગુજરાત નું એક નાનું ગામ કે જેના વિષે જાણીને  કદાચ તમે હેરાન થઈ જશો, એવું એટલા માટે આ ગામમાં રહેનાર બધા લોકો કરોડપતિ છે. એટલું જ નહી આ ગામને કરોડપતિઓનું ગામ કહેવામાં આવે છે.

      ગુજરાતના કચ્છમાં આવેલું બલ્દિયા ગામ કે જે ગામના લોકોના બેંક ખાતામાં લાખો નહીં, કરોડો નહીં પણ અરબો રૂપિયાના નાણાં છે. સુખ અને સમૃદ્ધિની વાતમાં આ ગામ દેશના અન્ય ગામ જ નહી પરંતુ ઘણા મોટા શહેરોને પાછળ છોડે છે.

    બલ્દિયા ગુજરાતની સૌથી ધનવાન ગામ છે. આ ગામની સમૃદ્ધિનો અંદાજો અહી બનેલા રસ્તાઓ અને સુંદર ભવનો પર લગાઈ શકાઈ છે. ગુજરાતના આ ગામમાં રહેનાર લોકોને દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ઘર અને સંપત્તિઓ છે. અહી મોટા ભાગના લોકોના ઘરોમાં તાળું લાગેલું રહે છે કેમકે તે લોકો પરિવારની સાથે વિદેશોમાં સ્થાયી થઈ ગયા છે. ત્યાં પણ તેમનું ઘર અને સંપત્તિઓ વગેરે  છે. આ ગામની બેંકોમાં પાછલાં બે વર્ષમાં દોઢ હાજર કરોડ રૂપિયા જમા થયેલાં છે.આ ઉપરાંત, અહી આવેલ પોસ્ટ ઓફિસમાં તમે વિચારી પણ ના શકો તેટલા ૫૦૦ કરોડથી પણ વધુ નાણાંની થાપણો છે.

 
    અને એકલું બલ્દિયા જ નહીં પણ આનાં જેવું જ કચ્છનાં ભુજમાં આવેલુ બીજું એક નાનું ગામ છે જેનું નામ છે માધાપુર, કે જે બલ્દિયા ગામના જેવું જ કરોડપતિના ગામ તરિકે ઓળખાય છે. આ ગામમાં બેંકની ૯ કરતાં વધારે શાખાઓ છે અને તેની સાથે સાથે ૧૨ કરતાં પણ વધારે એ.ટી.એમ આવેલાં છે.

 
  આ બન્ને ગામોમાં પ્રવેશતાં જ ખબર પડી જાય છે કે આ ગામ કેટલુંં સુખી હશે.ગામનાં રસ્તા, મુખ્યધ્વાર, ઘર ,વગેરે એટલા સુવ્યવસ્થિત છે કે અત્યારનાં શહેરો પણ આની તસ્વીર સામે ફિકા પડી જાય.

     આ બલ્દિયા ગામ એશિયાનું  સૌથી ધનિક ગામ છે .માણસને નસીબ સાથ આપતું હોય તો જગ્યાને બહુ મહત્વ ના અપાય …. પૈસા સારી અને સાચી રીતે કમાઈ જ શકાય છે એકોઈ નાત-જાત કે ધર્મનો ઈજારો નથી એ વાત તો કચ્છે સાબિત કરી જ દીધી છે !!!




      " કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા " આ વાત અહીં સાચી સાબિત થાય છે....................

4 મે, 2018

કાઇટ મ્યુઝિયમ



         આપણે મોટા શહેરોમાં ક્યાંક ને ક્યાંક કોઇક ને કોઇક પ્રકારનાં મ્યુઝિયમ જોયા હશે કે સાંભળ્યા હશે. પણ શું ક્યાંંય કાઇટ મ્યુઝિયમનું નામ સાંભળ્યું છે? તો કદાચ જવાબ મળશે ના....

    શું જાણવું છે કે ભારતમાં આવું કાઇટ મ્યુઝિયમ ક્યાં છે અને તેની વિશેષતા શું છે ? તો ચાલો જોઇએ અને જાણીએ આ કાઇટ મ્યુઝિયમ....ને....

    કાઇટ ( પતંગ )નુંં નામ આવે એટલે અમદાવાદ યાદ આવી જ જાય. ગુજરાતનો પતંગ મહોત્સવ આખા ભારતમાં જ નહીંં પણ પુરા વિશ્વમાં જાણીતો છે. કાઈટ ફેસ્ટિવલ( પતંગ મહોત્સવ ) એ ગુજરાતની આગવી ઓળખ છે.આપણા અમદાવાદમાં સંસ્કાર કેંદ્રના ટાગોર હોલ(પાલડી)  માં  પતંગ સંસ્કૃતિને ઉજાગર કરતુંં કાઈટ મ્યુઝિયમ ( પતંગ સંગ્રહાલય ) બનાવવામાં આવ્યું છે. જે બનાવવામાં ૧૯૮૫ માં શ્રી ભાનુભાઇ શાહ નામના પતંગ પ્રેમીએ ખુબ જ સહકાર આપ્યો છે. અહીં આ મ્યુઝિયમમાં પતંગ સંસ્કૃતિનો ૧૦૦૦ વર્ષ જુનો ઇતિહાસ જોવા મળે છે. આ ઉપરાંત પતંગના વિવિધ નમુનાઓ ,ઐતિહાસિક દસ્તાવેજો અને વિશ્વના અતિ દુર્લભ પતંંગો જોવા મળે છે .જે જોવા અને માણવા માટે ભારતનાં જ નહી પણ પુરા વિશ્વના સહેલાણીઓ ઉમટી પડે છે. અહિ એક ૪૦૦ ટુકડાઓથી બનાવેલો પતંગ છે જે દરેક આવનારનું આકર્ષણનું કેદ્ર બને છે.

       આ પ્રકારનુંં મ્યુઝિયમ ગુજરાતનું જ નહી પણ પુરા ભારતનુંં સૌ-પ્રથમ કાઈટ મ્યુઝિયમ છે જે ખરેખર ગર્વ લેવા જેવી વાત છે, અને પુરા વિશ્વમાં ચીન પછી બીજા નંબરે આવે છે. અને આ બધામાંં નવાઇ જેવી વાત એ છે કે આ કાઇટ મ્યુઝિયમની મુલાકાત ગુજરાતનાં વ્યક્તિઓ કરતાં વિદેશનાં લોકો વધારે મુલાકાત લે છે.
 
    આ કાઇટ મ્યુઝિયમ અઠવાડિયામાં ૬ દિવસ ( મંગળવાર થી રવિવાર )  સવારે ૧૦ થી ૮ સુધી ખુલ્લુ રહે છે, અને દર સોમવારે બંધ રહે છે. આ કાઇટ મ્યુઝિયમ જોવાનો સૌથી સારો સમય ઑક્ટોબર થી માર્ચ ગણાય છે, અને એમાં પણ જાન્યુઆરીમાં પતંગ મહોત્સવ વખતે આ જોવાની મજા જ કંંઇક ઓર હોય છે. આ સમય દરમિયાન ખુબ જ મોટા પ્રમાણમાં વિદેશી સહેલાણીઓ આ જોવા ઉમટી પડે છે...... 

    ખરેખર આપણા ગુજરાતની આગવી ઓળખ સમા આ કાઇટ મ્યુઝિયમને જોવું અને માણવુંં અચુક જોઇએ.....

     કાઇટ મ્યુઝિયમ @saurabhkumarpatel.blogspot.com
          

સન્ડે ઓપન સ્કૂલ





   આપણે સાંભળ્યું છે કે ડે કેર સ્કૂલ હોય, મોર્નિંગ સ્કૂલ હોય, બોર્ડિંગ સ્કૂલ હોય પણ શું એવું  સાંભળ્યું છે કે સન્ડે સ્કૂલ હોય.

   મિત્રો,

   જામનગરમાં ગવર્મેન્ટ કોલોનીની પાછળના ભાગે એક મંદિર પાસેના સાત રસ્તાની નજીક ઝૂંપડપટ્ટી આવેલી  છે, જ્યાંં દર રવિવારે સાંજે 5 થી 7 આ સન્ડે સ્કુલ ચાલે છે, આ સ્કૂલમાં ઝૂંપડપટ્ટીના બાળકોને ક, ખ, ગ, ઘ અને એકડા- બગડાનું શિક્ષણ ત્રણ નિવૃત શિક્ષક અને અને તેમનાંં વિદ્યાર્થીઓ કરે  છે, શિક્ષણ પણ આપવા ખાતર નહીં પદ્ધતિસરનું અપાય છે.

   અહીં સાત રસ્તા નજીક 25-30 જેટલા ઝુંપડા આવેલા છે, તેમાં રહેતા સ્ત્રી-પુરુષો બાળકોને સાથે લઈને ફુગ્ગા, રમકડાં અને પરચુરણ વસ્તુઓ રસ્તા પર વેચે છે. ક્યાંક ક્યાંક ભિક્ષા વૃત્તિથી ગુજરાન ચલાવે છે. ગરીબી હોય ત્યાં બદી અને ક્રાઇમ પણ હોવાનું જ. એટલે જ ઝૂંપડપટ્ટીના બાળકોને અક્ષર જ્ઞાન આપવું જરૂરી છે, એ નીતિથી ત્રણ નિવૃત શિક્ષકો અને તેમના વિધાર્થીઓ આ સન્ડે સ્કુલ ચલાવે છે.

    સ્કુલ શરૂ થાય ત્યારે આ ભુલકાઓને 30-35 મિનિટ પ્રાર્થના કરાવાય છે, ત્યારબાદ કક્કો અને એકડા-બગડા શીખવાડાય છે તો શૈક્ષણીક રમતો રમાડાય છે તો નિવૃત આચાર્ય બારાખડી એવા સરસ રાગાત્મક ગાયન સાથે આરોહ-અવરોહ સાથે ગાઇને બાળકોને બોલાવે છે. આ ત્રણેય શિક્ષકો સ્વ ખર્ચે બાળકોને નાસ્તો, પાટીપેટી, પેન્સિલ, કંપાસ જેવી શૈક્ષણીક ભેંટ સોગાદ પણ આપે છે.

     ધન્ય છે આવાં નિવૃત શિક્ષકોને .....

2 મે, 2018

અનોખો વ્યક્તિ

અનોખો વ્યક્તિ 





        મિત્રો, આપણા શરીરની કુલ આંગળીઓ ( અંગુઠા સહિત ) કેટલી ? તો આનો જવાબ નાનો છોકરો પણ આપી શકે કે આપણા શરીરની કુલ આંગળીઓ ( અંગુઠા સહિત ) ૧૦ ( દશ )  અરે ! જો બહું કરીએ તો ૧૧ કે ૧૨ આંંગળીઓ હોય પણ મિત્રો માન્યામાં આવે છે કે કોઇને આના કરતાં પણ વધારે આંગળીઓ હોય ? 

        આજે અહીં જે વ્યક્તિની વાત કરવાની છે તે સાંભળીને તમને કદાચ નવાઇ લાગશે. કેમ કે આ ભાઇને ૧૦ નહીં, ૧૧ નહીં, ૧૨ નહી પણ હાથ પગની મળીને કુલ ૨૮ આંંગળીઓ થાય છે.છે ને નવાઇની વાત.

    જી, હા  આ વાત છે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગાંભોઇ ગામના સુથાર દેવેન્દ્રભાઇની.આ ભાઇની
હાથ પગની મળીને કુલ ૨૮ આંંગળીઓ થાય છે.

    દેવેન્દ્રભાઇનું એવુ કહેવું હતુંં કે , " જન્મથી જ આ કુદરતી ખોડ મને મળી હતી.જ્યારે હું શાળાએ જતો હતો ત્યારે મારી આવી વધારાની આંંગળીઓ જોઇને મારી સાથેનાં બાળકો મને ચીડવતા હતા.આ સમયે મારી આ વધારાની આંગળીઓ જોઇને મારા સમાજે મારા માતા-પિતાને આ ખોડવાળી આંગળીઓ કાપી નાંખવાનું કહેતા હતાંં પણ મારા પિતાનાં ગુરૂએ આ ન કરવાની સલાહ મારાં પિતાને આપી હતી."

   તેમણે એ પણ કહ્યું કે મારી આટલી બધી આંગળીઓ જોઇને કોઇ લગ્ન પણ કરવાં તૈયાર નહોતું અને છેલ્લે પારુલબેન ( અત્યારનાં હાલનાં પત્ની ) એ તેમની આ ખોડ સાથે સ્વિકારી લગ્ન માટે હા પાડી " 

    દેવેન્દ્રભાઇ અત્યારે હાલ સુથારીકામ કરે છે. તેમને આમાં તકલીફ તો પડે છે પણ તેમણે કુદરતની આ ખોડને ભેંટ તરીકે સ્વિકારી જીવન સરસ રીતે જીવે છે. અને આ કુદરતની ભેટે તેમણે આખા રાજ્ય કે દેશમાં નહીં પણ પુરા વિશ્વમાં પ્રસિધ્ધી અપાવી છે. તેમને આ ભેટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ગીનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાવ્યું છે. તેમના પહેલાં ૨૪ આંગળીઓ ધરવતાં વ્યકિતનાં નામે આ રેકોર્ડ હતો જે દેવેન્દ્રભાઇએ તોડી પોતાનુ અને રાજ્યનું નામ આખા વિશ્વમાં રોશન કર્યું છે. 

     આમ તો આ ખોડ સાથે તેમનું જીવન સરસ રીતે ચાલે છે પણ એક તકલીફ તેમને વધારે પડે છે અને એ છે કે ક્યારેય તેમને તેમનાં માપનાં બુટ નથી મળતાં, અને ચંપલ મળે છે તો અડધા પગ બહાર રહે છે.તેમને અલગથી બનાવડાવવા પડે છે.
   
    અંતે તેમની આ કુદરતી ખોડ શારીરિક ખોડ ખાપણ કહેવાય, પરંતુ આ કુદરતી ખોડ પર માત્ર સાબરકાંઠા નહીં પણ સમગ્ર ગુજરાતને અને આખા દેશને ગર્વ છે..... 
  

1 મે, 2018

કચ્છની આગવી ઓળખ એટલે "ભુંગા "

કચ્છની આગવી ઓળખ એટલે "ભૂંગા "


           " ભૂંગા " શબ્દ સાંંભળતા જ કચ્છ નજર સામે આવી જાય. જી હા, કચ્છ અને ગુજરાતના ઇગ્લુ તરીકે ઓળખાતા આ ભૂંગા માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતમાંં જ નહીં પણ પૂરા વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે.

               ભૂંગા એ શું છે ? કેવી રીતે બનાવવામાંં આવે છે ? તે કેવાં હોય છે ?  ............

    ‘ભૂંગા’ એટલે માટી અને વાંસનો ઉપયોગથી બનાવેલું મકાન.‘ભૂંગા’ એટલે ગાર માટીના બનેલા  ઝુંપડા.‘ભૂંગા’ બનાવવા માટે સિમેન્ટ, કોંક્રીટનો નહીં, પણ કુદરતી રીતે મળી આવતી સામગ્રીનો ઉપયોગ થાય છે, પણ આને દેશી ઝૂંપડાની હરોળમાં ન મુકી શકાય. ‘ભૂંગા’ની બનાવટમાં આગવું ઈજનેરી કૌશલ્ય દેખાય આવે છે. કેમ કે ઉનાળામાં ‘ભૂંગા’ નેચરલ એરકન્ડીશનરનો અહેસાસ કરાવે છે, 46 ડીગ્રી તાપમાનમાં ગરમી લાગવાને બદલે ‘ભૂંગા’માં ઠંડક અનુભવાય છે, જ્યારે શિયાળામાં કડકડતી ઠંડીમાં ‘ભૂંગા’ની અંદર હુંફાળું વાતાવરણ રહે છે‘ભૂંગા’ની આ અનોખી ખાસિયતના કારણે ભલભલા એન્જીનીયરો પણ ચકરાવે ચડે છે. ટુંકમાં .આપણી ભાષામાં કહીએ તો ‘ભૂંગા’ એટલે લીંપણવાળું ઘર. ‘ભૂંગા’ની છત વાંસ, માટી અને ઘાસનો ઉપયોગ કરી બનાવાય છે, જ્યારે અંદરની દીવાલો ગારમાટી અને વાંસની બનેલી હોય છે. સામાન્ય રીતે ‘ભૂંગા’માં ચાર બેડ સમાય શકે છે, જ્યારે રસોડું અને બાથરૂમનો પણ સમાવેશ થાય છે.  

      આમ તો , કચ્છ જિલ્લો રણપ્રદેશનો વિસ્તાર છે, અહીંનુ જીવન વિષમ છે. વરસાદ સાવ ઓછો, ઉનાળામાં ભયંકર તડકો અને શિયાળામાં સખત ઠંડી. આ પ્રકારની વિષણ આબોહવા સામે ‘ભૂંગા’ રક્ષણ આપે છે. 

   પહેલાના સમયમાં જોઇએતો ‘ભૂંગા’ માત્ર ગાર માટી વડે જ બનાવવામાં આવતા હતા, પણ હાલના સમયમાં ‘ભૂંગા’ના અંદર અને બહારના ભાગે ગાર સુકાય જાય એટલે સુશોભન, રંગોળી અને ચિત્રો દ્વારા અવનવી ડીઝાઈન સાથે એક અલગ જ ઓપ આપવામાં આવે છે. જેથી ‘ભૂંગા’ ઝુંપડા કરતા સાવ અલગ તરી આવે છે. સામાન્યરીતે એક ભુંગો બનાવવામાં એકાદ લાખનો ખર્ચ થાય છે. જ્યારે છથી સાત વ્યક્તિની ટીમ મળીને આશરે વીસ દિવસમાં ભુંગો તૈયાર કરી શકે છે. આમ જોઇએતો ‘ભૂંગા’ પાકા મકાન કરતા સસ્તા પડે છે, પણ તેને ડેકોરેટ કરવાનો ખર્ચ વધી જાય છે.પાકા મકાનની જેમ ‘ભૂંગા’ને પણ વર્ષે રિનોવેટ કરવામાં આવે છે, જેમાં સ્ત્રીઓ દર દિવાળી પહેલા કે શુભ પ્રસંગે ‘ભૂંગા’ની અંદર અને બહારની દિવાલો પર જૂની ગાર માટીને ઉખેડીને નવેસરથી ગારનું લીંપણ કરે છે. ભરતગૂંથણની કલામાં માહેર અહીંની સ્ત્રીઓ ભરતગૂંથણના વિવિધ નમૂના તૈયાર કરીને આખો ભૂંગો સજાવે છે. આભલા અને કાચના નાનામોટા ટુકડાઓથી ચાકડા, તોરણ જેવી કેટલીય બેનમૂન વસ્તુઓ બનાવી ‘ભૂંગા’ને નવું રૂપ આપે છે.

        બીજી આ ભૂંગાની મહત્વની અને ખાસ વાત એ છે કે ૨૦૧૧માં આવેલાં ભૂકંપમાં કચ્છનાં મોટાંંભાગનાં બિલ્ડિંગો તુટી ગઇ હતી પણ એકપણ ભૂંગાને કે ભૂંગામાં રહેનારને ઇજા થઇ નહોતી.આમ, કચ્છના રણના ભારે પવનો, વાવાઝોડા, સખત તાપ અને ભયંકર ઠંડીના વાતાવરણમાં પણ વર્ષો સુધી ટકી રહેનારા ‘ભૂંગા’ કચ્છી લોક ઇજનેર કૌશલ્યનો અદભૂત નમૂનો ગણવામાં આવે છે.  

      અને હા બીજી એક વાત, આ ભૂંગા નો ઉપયોગ માત્ર ઘર તરીકે નહીં પણ હોટલ તરીકે પણ થાય છે. તેનુંં ઉત્તમ ઉદાહરણ છે ધોળાવીરા કે જે હડપ્પન સંસ્કૃતિ માટે જાણીતી છે ત્યાં 11 ‘ભૂંગા’વાળી અધતન હોટલ છે. તેમાં માત્ર જમવા માટેનો ડાયનીંગ હોલ જ સિમેન્ટનો છે તો ભૂજ પાસેના રૂદ્રમાતાના મંદિર પાસે પણ આવી ‘ભૂંગા’માં હોટેલ બનાવાઇ છે.  
 
       ટૂંકમાં, કચ્છમાં જ્યાં-જ્યાં નજર નાખો ત્યાં-ત્યાંં ભૂંગા જોવા મળે છે, અને તેનું હોડકા ગામ એટલે આખું ભૂંગાનું ગામ. આ ગામમાં તમને એક પણ મકાન સિમેન્ટનુ જોવા નહીં મળે, આ ગામમાં માત્ર ‘ભૂંગા’નો અદભુત નજારો જોવા મળશે.

    કચ્છમાં ઉજવાતાં રણોત્સવમાં કે અન્ય ઉત્સવોમાં આવતા પ્રવાસીઓ આ ભૂંગામાં જ રહે છે. આજે હવે આ ભૂંગા માત્ર કચ્છ પુરતાં રહ્યાં નથી તે હાલમાં વાપી, વલસાડ, ઉપલેટા જેવા વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે.....
    
        માટે જ અમિતાભ બચ્ચને કહ્યું છે, " કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા "

આ છે કચ્છની આગવી ઓળખ, આગવી સંસ્કૃતિ...........